Get the Flash Player to see this rotator.

રવિ ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ : સંત કવિ શ્રી સદ્દગુરુ ભાણસાહેબ જીવંત સમાધિ સ્થાન

ભગવાનશ્રી દત્તાત્રેયના અવતારી‚ શ્રી સદ્દગુરુ શ્રીભાણસાહેબ મહારાજનો જન્મ વિ.સં ૧૭પ૪ના મહા સુદ ૧૧‚ તા.ર૧-૦૧-૧૬૯૮ના શુભ દિને વારાહી ગામના લોહાણા કુળમાં પિતા કલ્યાણજી ભગત અખાણીને ત્યાં માતા અંબાબાઈના કુખે કીનખિલોડ ગામે થયો હતો. સદ્દગુરુ ભાણસાહેબના પ્રથમ નાદ શિષ્ય થયા બંધારપાડાના કુંવરજી ઠક્કર. ને બીજા નાદ શિષ્ય થયા સદ્દગુરુ શ્રી રવિસાહેબ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણસા ગામે શ્રીમાળી વાણીયા કૂળમાં પિતા મંછારામ અને માતા ઈચ્છાબાઈને ત્યાં વિ.સં. ૧૭૮૩ના મહા સુદી ૧પ ને ગુરુવાર તા.૦૬-૧ર-૧૭ર૭ના રોજ જન્મેલા સિદ્ધ સંત ભજનિક રવિસાહેબ ભાણસાહેબના ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ માં સરદાર હતા. અને સમર્થ સંત કવિ ખીમસાહેબ સદ્દગુરુ ભાણસાહેબના પુત્ર અને બુંદ શિષ્ય હતા.

જ્ઞાન‚ ભક્તિ‚ યોગ‚ સેવા‚ સત્સંગ અને સાધનાના વિવિધ માર્ગોનો ઉપદેશ આપતાં-આપતાં ભાણસાહેબ દ્વારકાધીશના દર્શન કરી યાત્રાએથી શેરખી પાછાં ફરતાં વિ.સં.૧૮૧૧ ચૈત્ર સુદી ત્રીજના દિવસે નળકાંઠા વિસ્તારમાં વિરમગામ-નળ સરોવર પાસેના કમીજલા ગામે આવી પહોંચ્યા. તેમના શિષ્ય ભક્ત મેપા ભગત ભરવાડ ગાયો ચરાવવા ગયેલા. ભગત આવે ત્યારે રામ રામ કહેજો તેવું મેઘાબાઈને કહીને ભાણ સાહેબે આગળ પ્રયાણ કર્યું. કમીજલા ગામ બહાર પૂર્વ દિશાએ આવેલા તળાવની પાળ પાસે સંત મંડળી પહોંચી‚ ત્યાં પાછળથી મેપાભગત ભરવાડનો સાદ સંભળાયો : ‘ગુરુદેવ ! ભાણસાહેબ ! થોભો.. ઊભા રયો... રોકાઈ જાવ... હવે એક ડગલું ય આગળ વધો તો તમને રામદુહાઈ છે...’

‘રામદુહાઈ’ શબ્દ સાંભળતાં જ ભાણસાહેબ થંભી ગયા. એ જ ક્ષણે સ્થિર થઈ ગયા. ભાવાવેશમાં દોડતા આવેલા મેપાભગતે ગુરુના પગ પકડી લીધા ત્યારે સદ્દગુરુ ભાણસાહેબે હસતાં હસતાં વેણ કાઢયાં : ‘મેપા ! હવે તો એક ડગલું ય આઘું-પાછું નૈં જવાય. તેં રામદુહાઈ દીધી. મારું આયખું પૂરું થયું. હવે આ જ ઠેકાણે સમાધ ગળાવો...’

રામદુહાઈની બેડી પગમાં પડી ગઈ. શ્રી રામના સોગંદનું એ વચન પાળવા ભાણસાહેબે ત્યાં જ સમાધિ ગળાવી. ન છૂટકે ભાણસાહેબના દ્રઢ નિશ્ચયનો અમલ કરવાનું કાર્ય શરુ થયું. મેપા ભગતે ગુરુની સાથે જ દેહત્યાગ કરવાની જીદ કરી ત્યારે ભાણસાહેબે બરોબર એક વર્ષ પછી કમીજલા ગામના આથમણા તળાવની પાળ ઉપર સમાધિ લેવાનો આદેશ આપ્યો‚ અને કહ્યું કે‚ ‘જા‚ આ લીમડાની ચીર વાવી દે‚ એમાં કુંપળ ફૂટે ત્યારે જાણજે કે એક વરસ થઈ ગયું છે.’ એ દિવસ હતો વિક્રમ સંવત ૧૮૧૧ના ચૈત્ર સુદી ત્રીજ અને ગુરુવાર તા.૧૬-૦૩-૧૭પપ નો. બરોબર સત્તાવન વર્ષના આયુષ્ય સાથે ભાણસાહેબે આ જગ્યા પર જીવતાં સમાધિ લઈ લીધી. સાથોસાથ ભાણસાહેબની વહાલી સોનલ નામની ઘોડી અને એક પાળેલી કનક નામની કૂતરીએ પણ પોતાના દેહ એ જ સમયે છોડી દીધા. એમની પણ સમાધિઓ આજે પૂજાય છે.

મેપાભગતે ઘેર જઈને સદ્દગુરુએ આપેલું લીમડાનું દાતણ રોપ્યું. બરાબર બાર મહીના પછી સંવત ૧૮૧રની ચૈત્ર સુદી ૩ ના દિવસે લીમડાના દાતણને કુંપળો ફુટી અને ગુરુ મહારાજનું કહેણ આવી ગયું તેમ માની ગામના આથમણા તળાવની પાળે મેપા ભગત અને એમનાં પત્ની મેઘામાએ ગુરુના કહેવા પ્રમાણે ધરતી માતાને વિનંતી કરી‚ ધરતીએ જગ્યા આપી અને તેમાં બંન્ને જણા ગુરુ મહારાજનું સ્મરણ કરતાં કરતાં સમાધિષ્ઠ થયા. હાલ તેના નેસડામાં તેના ઘેર રોપાયેલા દાતણમાંથી થયેલ વિશાળ લીમડો મોજુદ છે અને ત્યાં રાધા કૃષ્ણનું મંદિર ભાવિકોએ નિર્માણ કર્યું છે. જે લીમડાવાળા ઠાકર તરીકે ઓળખાય છે. કમીજલા ગામના આથમણા તળાવની પાળ ઉપર મેપાભગત અને મેઘાબાઈમાની સમાધિનું નાનકડું મંદિર પણ છે. અને ગામનાં પૂર્વ દિશાના તળાવની પાળ ઉપર સંત કવિશ્રી સદ્દગુરુ ભાણ સાહેબનું સમાધિ મંદિર આજે ધર્મની ધજા ફરકાવતું સેવા-સાધના અને સત્સંગની સરવાણી વહાવી રહ્યું છે. વર્તમાન મહંત શ્રી જાનકીદાસજી બાપુની નિશ્રામાં સમસ્ત રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયીઓ તથા સમસ્ત લોહાણા-રધુવંશી સમાજ દ્વારા આ સંસ્થામાં અનેક વિધ સેવા કાર્યો થતાં રહે છે.